GSRTCના દૈનિક મુસાફર પાસમાં મોટી રાહત, હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી
GSRTCએ રોજિંદા મુસાફરો માટે પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50% સુધી કરી છે. નવા નિયમોથી માસિક અને ત્રિમાસિક પાસ ધારકોને સીધી બચત થશે.

ગુજરાતમાં એસ.ટી. બસથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે GSRTCએ દૈનિક મુસાફર પાસ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ભાડા રાહત વધારી 50% સુધી કરવામાં આવી છે. માસિક પાસ માટે હવે 18 દિવસને બદલે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે, જ્યારે ત્રિમાસિક પાસ માટે 54 દિવસને બદલે 45 દિવસનું ભાડું ચૂકવવું પડશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને વ્યવસાયીઓને સીધો આર્થિક લાભ મળશે.
માસિક પાસમાં 3 દિવસના ભાડાની વધુ બચત
અગાઉ માસિક મુસાફર પાસ માટે 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી મુસાફરી કરી શકાતી હતી. હવે આ ભાડું ઘટાડીને 15 દિવસનું કરવામાં આવ્યું છે. આથી મુસાફરો માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ GSRTC બસમાં મુસાફરી કરી શકશે.
ત્રિમાસિક પાસ પણ સસ્તો થયો
ત્રિમાસિક પાસમાં પણ ભાડામાં રાહત વધારવામાં આવી છે. અગાઉ 90 દિવસની મુસાફરી માટે 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે મુસાફરો 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ સુધી મુસાફરી કરી શકશે.
2.5 લાખથી વધુ મુસાફરોને લાભ
GSRTCના જણાવ્યા મુજબ આ ફેરફારનો લાભ રોજિંદા અપડાઉન કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, વેપારીઓ અને નાના-મોટા વ્યવસાયિકોને મળશે. પાસ ખર્ચમાં ઘટાડો થવાથી નિયમિત મુસાફરોના માસિક પરિવહન ખર્ચમાં સીધી બચત થશે.


