આયાત નિયમોમાં રાહત મળતા ખાંડના ભાવ 18% ગગડ્યા, ગ્રાહકોને હાશકારો
કેન્દ્ર સરકારે આયાતી કાચી ખાંડને રિફાઇન કરી વેચવાની 31 ઓક્ટોબરની સમયમર્યાદા દૂર કરી છે. સરકારના જણાવ્યા મુજબ મિલ સ્તરે ખાંડના ભાવ એક સપ્તાહમાં ₹67થી ઘટીને ₹55 પ્રતિ કિલો થયા છે.

તહેવારો પહેલાં વધેલા ખાંડના ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે કાચી ખાંડની આયાત સંબંધિત નિયમોમાં રાહત આપી છે. Directorate General of Foreign Trade (DGFT)ના ફેરફાર બાદ આયાતકારોએ હવે 31 ઓક્ટોબર સુધી જ ખાંડને રિફાઇન કરીને વેચવાની જરૂર નહીં રહે. તેના બદલે Bill of Entry દાખલ થયાની તારીખથી બે મહિનાની અંદર કાચી ખાંડને રિફાઇન કરીને સ્થાનિક બજારમાં વેચી શકાશે.
આયાત માટે 31 ઓક્ટોબરની તારીખ યથાવત
નવા નિયમમાં માત્ર રિફાઇનિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં ફેરફાર થયો છે. કાચી ખાંડને ભારતમાં આયાત કરવાની છેલ્લી તારીખ હજુ પણ 31 ઓક્ટોબર જ રહેશે. બ્રાઝિલ જેવા મોટા ઉત્પાદક દેશોમાંથી ભારત સુધી ખાંડ પહોંચવામાં આશરે 40થી 45 દિવસ લાગતા હોવાથી જૂની સમયમર્યાદા આયાતકારો માટે મુશ્કેલી ઊભી કરતી હતી.
એક સપ્તાહમાં ભાવ ₹67થી ₹55
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાના જણાવ્યા મુજબ મિલમાંથી નીકળતી ખાંડનો ભાવ લગભગ 18% ઘટીને ₹55 પ્રતિ કિલો થયો છે. અગાઉના સપ્તાહમાં ભાવ ₹67 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો. જોકે ગ્રાહકો સુધી ભાવ ઘટાડાનો સંપૂર્ણ લાભ પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. ઉપલબ્ધ આંકડા મુજબ દેશનો સરેરાશ જથ્થાબંધ ભાવ ₹58.29 પ્રતિ કિલો અને છૂટક ભાવ ₹63.05 પ્રતિ કિલો નોંધાયો છે.
10 લાખ ટન શુલ્કમુક્ત આયાતને મંજૂરી
સ્થાનિક પુરવઠો વધારવા સરકારે લગભગ એક દાયકાબાદ 10 લાખ ટન કાચી ખાંડના duty-free importને મંજૂરી આપી છે. સાથે મોટા વપરાશકારો માટે stock limit નક્કી કરવામાં આવી છે અને રાજ્યોને સંગ્રહખોરી સામે નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
બજારમાં પુરવઠો વધારવાનો પ્રયાસ
આયાતી ખાંડને રિફાઇન કરવા વધુ સમય આપવાથી આયાતકારો અને રિફાઇનરીઓને વ્યવહારુ સમય મળશે. સરકારનો હેતુ બજારમાં પુરવઠો વધારી તહેવારો દરમિયાન ભાવ પરનું દબાણ ઘટાડવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


