માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમો) તબીબી સારવાર પાછળ થતા ખર્ચ સામે આર્થિક સુરક્ષા આપે છે. વ્યક્તિ વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે અને તેના બદલામાં વીમા કંપની તબીબી સારવાર સંબંધિત ખર્ચ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

કોઈ વ્યક્તિ ક્યારે બીમાર પડશે અથવા અકસ્માતનો ભોગ બનશે તેની કોઈ ખાતરી હોતી નથી. ગંભીર બીમારી કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. બીમારીની સારવાર પાછળ થતો મોટો ખર્ચ વર્ષોથી એકઠી કરેલી બચત પર ગંભીર અસર કરી શકે છે. પરિણામે, વ્યક્તિએ શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવા લોનના હપ્તા જેવી નાણાકીય જવાબદારીઓ સાથે સમાધાન કરવું પડે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?
હેલ્થ ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનું નાણાકીય સાધન છે જે તબીબી સારવાર પાછળ થતા ખર્ચ સામે આર્થિક સુરક્ષા આપે છે. વ્યક્તિ વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે અને તેના બદલામાં વીમા કંપની તબીબી સારવાર સંબંધિત ખર્ચ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આરોગ્ય વીમામાં દવાઓ, સર્જરી, કન્સલ્ટેશન ફી, હોસ્પિટલના રૂમનું ભાડું, એમ્બ્યુલન્સ ચાર્જિસ સહિતના અન્ય ખર્ચનો સમાવેશ થઈ શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર કેમ છે?
આજના સમયમાં તબીબી સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. ગંભીર બીમારીની સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં પહોંચી શકે છે. જેમકે, કેટલીક કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી મોંઘી દવાઓનો ખર્ચ જ નોંધપાત્ર હોઈ શકે છે. તેના ઉપરાંત હોસ્પિટલાઇઝેશન, કન્સલ્ટેશન ફી, કીમોથેરાપી સહિત સારવારમાં ઘણો ખર્ચ વધી જાય છે. ત્યારે હેલ્થનો વીમો લેવો જરૂરી બની જાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકાર
મેડિક્લેમ
મેડિક્લેમ અથવા હૉસ્પિટલાઇઝેશન પ્લાન હેલ્થ ઇન્શ્યોરન્સના સૌથી મૂળભૂત પ્રકારોમાં ગણવામાં આવે છે. જ્યારે વીમાધારકને હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે સારવાર પાછળ થતા ખર્ચને આ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે. આવા કેટલાક પ્લાનમાં એક ચોક્કસ મર્યાદા સુધી કવર આપવામાં આવે છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન
આ પ્લાનમાં ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે આર્થિક સુરક્ષા આપવામાં આવે છે. આવી બીમારીઓમાં લાંબા સમય સુધી સારવારની જરૂર પડી શકે છે અથવા લાઈફસ્ટાઈલમાં મોટો ફેરફાર કરવો પડી શકે છે. ક્રિટિકલ ઇલનેસ પ્લાનમાં ગ્રાહકે પસંદ કરેલા ગંભીર બીમારી કવર મુજબ રકમ ચૂકવવામાં આવે છે. બીમારીને કારણે વ્યક્તિ કામ પર પરત ફરી ન શકે તે સમયગાળા દરમિયાન આ રકમ આવકના વિકલ્પ તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. આ પ્લાન હેઠળ બીમારીનું નિદાન થયા બાદ વીમાની રકમ ચૂકવવામાં આવે છે અને સામાન્ય રીતે મૂળ મેડિકલ બિલ રજૂ કરવાની જરૂર રહેતી નથી.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં એક જ પરિવારના અનેક સભ્યોને કવર કરવામાં આવે છે. તેમાં વ્યક્તિ (Self), જીવનસાથી, માતા-પિતા, બાળકો અને કેટલીક પોલિસીમાં સાસુ-સસરાનો પણ સમાવેશ થઈ શકે છે. આ પ્રકારની પોલિસીમાં સમગ્ર પરિવારને એક જ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ હેઠળ કવર કરવામાં આવે છે.
સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વરિષ્ઠ નાગરિકોના તબીબી ખર્ચ સામે આર્થિક સુરક્ષા આપે છે. આ પોલિસી ખાસ કરીને વૃદ્ધોની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. આ પ્લાનમાં ઉંમર સંબંધિત બીમારીઓ, પહેલેથી રહેલી બીમારીઓ, અકસ્માતને કારણે થતી સારવારનો સમાવેશ થાય છે.
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પ્લાન
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પ્લાન અકસ્માત સર્જાતા તેને લીધે ઊભી થતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે વીમાધારકને આર્થિક સુરક્ષા આપે છે. આ પ્લાનમાં એમ્બ્યુલન્સ ખર્ચ, સર્જરી, દવાઓ, સારવાર બાદ Rehabilitation સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.
ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ (વ્યક્તિગત વીમા પોલિસી) પ્લાનમાં એક જ વ્યક્તિને કવર કરવામાં આવે છે. અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ તેમાં સર્જરી, તબીબની કન્સલ્ટેશન ફી, દવાઓ, એમ્બ્યુલન્સ ખર્ચ, હોસ્પિટલના રૂમનું ભાડું વગેરે ખર્ચ સામે આર્થિક સુરક્ષા આપવામાં આવે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સના ફાયદા
ક્રિટિકલ ઇલનેસ કવર
સામાન્ય તબીબી ખર્ચ ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સમાં કેટલીક ગંભીર બીમારીઓ, જેમકે, કેન્સર, હૃદય સંબંધિત બીમારીઓ, કિડનીની બીમારીઓ વગેરે માટે પણ કવર મળી શકે છે. લાંબા સમય સુધી સારવાર લેવી પડી શકવાની સંભાવનાને કારણે સારવારનો ખર્ચ પણ ઘણો વધારે થઈ શકે છે. આવા ખર્ચને પહોંચી વળવા આ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાની નિષ્ણાતો સલાહ આપે છે.
પ્રિ-એક્ઝિસ્ટિંગ ઇલનેસ કવર
હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર ભવિષ્યમાં થતી આરોગ્ય સમસ્યાઓને જ કવર કરતું નથી, પરંતુ કેટલીક પોલિસીમાં પહેલેથી રહેલી બીમારીઓને પણ નક્કી કરેલા વેઇટિંગ પીરિયડ બાદ કવર કરવામાં આવે છે. જેમકે, પોલિસી ખરીદતી વખતે વ્યક્તિને થાઇરોઇડ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હોઈ શકે છે. પોલિસી મુજબ વેઇટિંગ પિરિયડ પૂર્ણ થયા બાદ બીમારીની સારવારનો ખર્ચ કવર કરવામાં આવે છે.
કેશલેસ સારવાર
હેલ્થ ઇન્શ્યોરન્સની મહત્વપૂર્ણ સુવિધાઓમાંની એક કેશલેસ ક્લેમ છે. નેટવર્ક હોસ્પિટલમાં સારવાર લેતી વખતે પોલિસીની શરતો મુજબ વીમા કંપની હોસ્પિટલ સાથે સીધી રીતે બિલની પતાવટ કરે છે. આથી વીમાહોલ્ડરને સારવાર માટે મોટા ખર્ચ પહેલાં પોતે ચુકવવાની જરૂરિયાત રહેતી નથી.
ટેક્સમાં રાહત
ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે સામાન્ય રીતે Income Tax Actની Section 80D સંબંધિત જોગવાઈ લાગુ પડે છે. જો વીમાધારકો જૂની કર વ્યવસ્થા પસંદ કરે તો હિંદુ અનડિવાઈડેડ ફેમિલી (HUF)માં આરોગ્ય વીમા પ્રીમિયમ, બીમારી નિવારવા નિયમિત ચેક-એપ અને વરિષ્ઠ નાગરિકો માટે તબીબી ખર્ચ પર દર નાણાકીય વર્ષે ₹25000 થી ₹100000 સુધીની બચત કરી શકે છે.
યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?
યોગ્ય કવરેજ
હેલ્થ ઇન્શ્યોરન્સનું કવરેજ તમારી આરોગ્ય જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. જો તમને પહેલેથી કોઈ બીમારી હોય અથવા પરિવારમાં ગંભીર બીમારીઓનો ઇતિહાસ હોય, તો તમારી સંભવિત તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પૂરતું કવરેજ પસંદ કરવું જરૂરી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં તબીબી સારવારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લાંબા ગાળે પૂરતું કવરેજ મળે તે પણ જોવું જોઈએ.
બજેટને અનુરૂપ પ્રીમિયમ
સામાન્ય રીતે કવરેજ જેટલું વધારે હોય, તેટલું પ્રીમિયમ પણ વધારે હોય છે. તમારી હેલ્થની જરૂરિયાતો મુજબ પ્લાન પસંદ કરવો, જેનું પ્રીમિયમ તમારા બજેટને અનુકૂળ હોય.
ઇન્ડિવિજ્યુઅલ પ્લાન કે ફેમિલી પ્લાન?
ઇન્ડિવિજ્યુઅલ પ્લાન (Individual Plan)માં એક વ્યક્તિને કવર કરવામાં આવે છે, જ્યારે ફેમિલી પ્લાનમાં પરિવારના એકથી વધુ સભ્યોને કવર કરી શકાય છે. તમારી અને પરિવારના અન્ય સભ્યોની આરોગ્ય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને નક્કી કરવું જોઈએ કે દરેક વ્યક્તિ માટે અલગ પોલિસી જરૂરી છે કે સમગ્ર પરિવાર માટે એક જ પ્લાન પૂરતો છે.
પસંદગીની હોસ્પિટલનું કવરેજ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં તમારી પસંદગીની અથવા નજીકની હોસ્પિટલ નેટવર્ક હોસ્પિટલ તરીકે સામેલ છે કે નહીં તે તપાસવું જરૂરી છે. આ સુવિધા જરૂરિયાતના સમયે યોગ્ય હોસ્પિટલમાં સારવાર મેળવવામાં અને કેશલેસ સુવિધાનો લાભ લેવામાં મદદરૂપ થઈ શકે છે.
હાઈ ક્લેમ સેટલમેન્ટ રેશિયો
ક્લેમ સેટલમેન્ટ રેશિયો (Claim Settlement Ratio) એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન વીમા કંપનીને મળેલા કુલ ક્લેમમાંથી કંપનીએ કેટલા ક્લેમનું સેટલમેન્ટ કર્યું હોય તેનું પ્રમાણ. હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે પોલિસીની શરતો, કવરેજ, વેઇટિંગ પિરિયડ, ક્લેમ પ્રક્રિયા, હોસ્પિટલ નેટવર્ક અને અન્ય મહત્વપૂર્ણ વિગતો પણ તપાસવી જોઈએ.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.


