વરસાદથી ઘરને નુકસાન પહોંચે તો ક્યાં જશો?
તમારા ઘરને ભારે વરસાદથી નુકસાન પહોંચે કે પૂર, આગ જેવી કુદરતી આફતોથી નુકસાન પહોંચે તો હોમ ઇન્શ્યોરન્સ પોલિસી હેઠળ ક્લેમ કરી શકો છો.

શું ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે? શું પૂરથી તમારી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે? જો તમારી પાસે ઘરનો વીમો હશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હોમ ઈન્સ્યોરન્સ (Home insurance) હેઠળ વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોથી થતા નુકસાનને આવરી લેવામાં આવે છે.
હોમ ઈન્સ્યોરન્સ શું છે?
જીવન વીમા (LIFE INSURANCE) હેઠળ વીમો લેનાર વ્યક્તિને આવરી લેવામાં આવે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ (HEALTH INSURANCE)માં હોસ્પિટલમાં સારવાર પાછળ થતા ખર્ચને આવરી લેવામાં આવે છે, તેવી જ રીતે હોમ ઈન્સ્યોરન્સમાં ઘર અને ઘરની અંદર રહેલી ચીજવસ્તુઓને પહોંચતા નુકસાનને આવરી લેવામાં આવે છે.
Home insuranceમાં બિલ્ડિંગનું સ્ટ્રક્ચર, ઘરની કેટલીક ચીજવસ્તુઓ અને ઘર રહેવા લાયક ન હોય ત્યારે તેની વૈકલ્પિક વ્યવસ્થાનો ખર્ચ સામેલ હોય છે. જોકે, ચોમાસામાં ભારે વરસાદથી ઘરને નુકસાન થાય તો ઇન્શ્યોરન્સ કંપનીઓ દરેક કેસમાં વળતર આપતી નથી. વીમા નિષ્ણાતોના મતે, ભારે વરસાદથી જો નુકસાન થાય અને તેનો પોલિસીમાં ઉલ્લેખ હોય તો જ કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પોલિસી નુકસાનનું વળતર આપી શકે છે.
આ કુદરતી આફતો સામે ક્લેમ કરી શકશો
· પૂર
· વાવાઝોડું
· ભૂકંપ
· આગ
· પાણીની ટાંકી અથવા પાઇપ તૂટી જવાથી કે ઓવરફ્લો થવાથી થતું નુકસાન
· ઇલેક્ટ્રિકલ ઉપકરણોને નુકસાન
· ઘરમાં જ્વેલરી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી
· ઘરવખરીને થયેલા નુકસાન
કયા નુકસાન સામે મળશે કવચ?
પૂરનું પાણી ઘરમાં પ્રવેશવાથી ફ્લોરિંગ ખરાબ થઈ જાય અથવા આગ લાગવાથી ઘરને વ્યાપક નુકસાન પહોંચે તો હોમ ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ ક્લેમ કરી શકે છે અને વીમા કંપની આ ક્લેમને માન્ય રાખે છે. આ ઉપરાંત, પૂરને કારણે ઘરના ફર્નિચરને કે ઈલેક્ટ્રિકલ ઉપકરણોને નુકસાન પહોંચે તો તેની સામે પણ કવર આપવામાં આવે છે. વાવાઝોડામાં ઝાડ પડવાથી મકાન, તેની અંદરની ચીજવસ્તુને થયેલા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.
કયા નુકસાનને કવરેજ મળતું નથી?
જો નુકસાનનું કારણ ઇન્શ્યોરન્સ પોલિસીમાં આવરી લેવાયેલા જોખમ સાથે સીધું સંકળાયેલું હોય તો જ ઇન્શ્યોરન્સ કંપનીઓ તમારો ક્લેમ મંજૂર કરે છે.
· ધીમે-ધીમે થતું પાણીનું લીકેજ
· ભેજવાળી દીવાલો
· રંગ ઊખડવો
· ઘરની યોગ્ય જાળવણી ન થવાથી થતું નુકસાન
· બાંધકામની ખામીઓ
· બરાબર વોટરપ્રૂફિંગ ના કરાવ્યું હોય તો
· વરસાદને કારણે થયેલા દરેક પ્રકારના નુકસાનને હોમ ઇન્શ્યોરન્સ હેઠળ વીમા કંપનીઓ કવરેજ આપતી નથી
હોમ ઇન્શ્યોરન્સ માત્ર ઘરનાં માલિકો માટે જ નથી
હોમ ઇન્શ્યોરન્સ ભાડેથી રહેતા લોકો માટે પણ આર્થિક કવચ બની શકે છે. નિષ્ણાતોની સલાહ મુજબ મકાનમાલિકોએ ઘરના સ્ટ્રક્ચર અને ઘરવખરી એમ બંનેનો વીમો લેવો જોઈએ. ભાડૂઆતોએ પોતાના ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સહિતનાં સામાન માટે વીમો લેવો જોઈએ. તેથી મકાનમાલિક અને ભાડૂઆત બંનેએ પોતાની જરૂરિયાતને અનુરૂપ યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવું જરૂરી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.


